Pages

Subscribe:

Sunday, 4 November 2012

ચાંદની વરસતી રાતે કોઈ મારામાં એમ ટહેલે કે, હું અગાસી છું.

ચેમ્બરનું એરકન્ડીશનર બંધ કરી, ઝરૃખાના દ્વારને ખોલી તમે સમુદ્રની દિશામાં પડતા ઝરૃખાની રેલિંગ પાસે ઉભા રહીને સિગરેટ જલાવી શશાંક. નરીમાન પોઇન્ટના સમંદર પરથી આવતા ઓક્ટોબરી બંબઈયા ઠંડો પવન ઘુમરી ખાઈને, સ્કાય સ્ક્રેપરના તેરમા માળે આવેલી તમારી એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરની ભવ્ય ચેમ્બરમાં ઘૂસી ગયો, ને અડતાલીસમા વર્ષે ય સ્માર્ટ- પ્રભાવી લાગતા તમારા ક્લીનશેવ્ડ, ગોલ્ડન-ફ્રેમના સ્પેક્ટસ મઢ્યા ચહેરાને સ્પર્શીને ડાઈ કરેલા કાળા ચમકદાર વાળની લટને તમારી ગૌડ ચૌડી પેશાની પર વિખેરી ગયો. નીચે ફૂટપાથી સડકો બદહવાસ બંબઈયા ઓફિસ- બાબુઓની ભીડથી ઉભરાતી હતી. થોડીવાર પહેલાં જ છેલ્લા કેન્ડીડેટ તરીકે ઇન્ટરવ્યૂ આપીને ગયેલો પેલો નવજુવાન ગુજરાતી મિકેનિકલ એન્જિનિયર શીતાંશુ પટેલ પણ એ જ ભીડનો ભાગ બનીને ખોવાઈ ગયો હશે'- તમે વિચાયુંર્ં શશાંક- જેમ પચ્ચીસ વર્ષ પહેલા તમે આ જ ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપીને 'ખોવાઈ' ગયા હતાં એમ જ !
ઊંચે આકાશમાંથી ખીલીને ખારા અરબી સમુદ્રને ચાંદનીના દરિયામાં ફેરવી નાંખીને ટહેલતા ચંદ્ર તરફ જોતાં તમને યાદ આવી ગયું કે શશાંક કે, 'આજે શરદ પૂર્ણિમા છે' અને એ યાદ આવવા માટે જવાબદાર હતો, પેલો છેલ્લો કેન્ડીડેટ શીતાંશુ પટેલ, જેના માટે તમારી કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મી. ઘોષે એ ઇન્ટરવ્યૂના અંતે મોં- બગાડીને કહેલું, 'વેરી પુઅર ટેકનિકલ નોલેજ...'

પરંતુ ઇન્ટરવ્યૂ આપીને નિરાશ વદને ચાલી ગયેલો એ યુવાન શીતાંશુ પટેલે તમારા જેહ્ન પરથી પાછલા પચ્ચીસ ત્રીસ વર્ષોનો પડદો હટાવીને તમને સાયન્સ-સ્ટ્રીમના બારમા ધોરણના તરવરતા તેજ-તર્રાર સ્ટૂડન્ટ બનાવી મૂકેલા શશાંક. અલબત્ત એનો અંદાજ ઇન્ટરવ્યૂઓ પૂરાં થતાં તમને હમણાં જ 'ગૂડનાઇટ સર' કહીને વિદાય થયેલાં કે કંપનીના બીજા એક્ઝીક્યુટીવ્ઝને નહોતો આવ્યો શશાંક દેસાઈ...
... ત્યારે બારમા ધોરણના પહેલા સત્રના અંતે શરદ પૂર્ણિમાની રાતે યોજાયેલી તમારી છેલ્લી સ્કૂલી પિકનિક વેળા તમને કૌમુદીનો પરિચય થયેલો શશાંક. કૌમુદી ઇંગ્લીશ મિડિયમના ક્લાસમાં હતી, ને તમે ગુજરાતી માધ્યમના વર્ગમાં. એ રાત્રે તમે હલકદાર હેમંતકુમારી વોઇસમાં જૂના 'શર્ત' પિક્ચરનું ગીત ગાયેલું, 'ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે... મગર હંમેશા તુમ્હારે રહેંગે...' અને ચાંદનીમઢી એ રાતે એ 'ચંદ્રગીત' સાંભળીને બધાં ખુશ થઈ ગયેલા અને અંગ્રેજીના અરે ઇંગ્લીશ મિડિયમના વિદ્યાર્થી સમૂહને ઉદ્દેશીને આવું જ સરસ કોઈ 'ચંદ્રગીત' સંભળાવવાની ફરમાઈશ કરેલી.

અને તમે મજાકી સ્વરે એ સરને કહેલું શશાંક, ''સર એ લોકો તો શરદપૂર્ણિમાનું 'ચંદ્રગીત' પણ એમની કોન્વેન્ટિયા ઇંગ્લીશમાં જ ગાશે 'બેંગલ બેંગલ બિગર મૂન' કે એવું કંઈક, ને શરદ પૂર્ણિમાને 'શરડ પૂર્ણિમા' બનાવી મૂકશે !''
અને તમારી એ કોમેન્ટનો જવાબ આપતી હોય એમ ચુપચાપ કૌમુદીએ ગીતાદત્તના રેશમી કંઠે ગવાયેલું એ જ તરજનું ગીત ચાંદની રાતમાં વહેતું મૂકેલું 'ન યે ચાંદ હોગા...'
''વાહ ! શું રેશમી કંઠ છે તમારો !'' શરદ પૂર્ણિમાના ચંદ્રને બે ભાગમાં વહેંચીને ગૌર સરળ ચહેરા પર જડી દીધો હોય એવી કૌમુદીની અસાધારણ મોટી પારદર્શક હસતી આંખોમાં આંખો પરોવી તમે કહેલું શશાંક.
પરંતુ એ પરિચય આગળ વધે એ પહેલાં તો તમે બારમાની બિહામણી એડમિશની પરીક્ષાની તૈયારીમાં તમે ગુંથાઈ ગયેલા. બારમામાં સારા માર્કસ આવતા તમને મિકેનિકલ એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં એડમિશન મળેલું ને કૌમુદીનું અંગ્રેજી માધ્યમના કારણે ધોવાણ થઈ જતા એણે બી.એસ.સી. જોઇન કરવું પડયું.

તમારા રસ્તા વિખુટા પડી ગયા. માત્ર એક જ શહેરમાં હોવાના નાતે ક્યારેક રસ્તામાં એકસ્માત મળી જવાય તો એકાદ આછા મરકલડાની આપ-લે તમારી અને કૌમુદીની વચ્ચે થઈ જતી હતી એટલું જ ઃ
અને ડિસ્ટીંક્શન સાથે બી.ઇ. થયા પછી નોકરી માટેના ઇન્ટરવ્યૂની હારમાળા ! તમારું ટેકનીકલ નોલેજ સાઉન્ડ હતું પણ અંગ્રેજીમાં લેવાતા ઇન્ટરવ્યૂઓમાં તમે અંગ્રેજીમાં એ અભિવ્યક્ત નહોતા કરી શકતા, ને દરેક વખતે 'જોબલેસ એન્જિનિયર'ની નિરાશા તમને ઘેરી વળતી શશાંક. આ નબળાઈને દૂર કેમ કરવી એની મુંઝવણમાં જ તમે હતા ને એક દિવસ યુનિવર્સિટી રોડ પર અચાનક કૌમુદી દેખાઈ જતાં તમારા દિમાગમાં ઝબકારો થયેલો શશાંક. કૌમુદી ત્યારે એમ.એસ.સી.ના છેલ્લી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તમારું સ્પોકન ઇંગ્લીશ સુધારવા માટે તમે કૌમુદીની મદદ માંગેલી ને ચંદ્રના કટકા જેવી સ્વચ્છ આંખોને મરકાવતા કૌમુદીએ છટાદાર કોન્વેન્ટીયા અંગ્રેજીમાં કહેલું, 'ઑફ કોર્સ ! ઇટ વીલ બી માય પ્લેઝર શશાંક !'

અને કૌમુદીએ કરાવેલી બે મહિનાની સ્પોકન ઇંગ્લીશની સખત પ્રેક્ટીસે તમને અપાવેલા આત્મવિશ્વાસ સાથે તમે પચ્ચીસ વર્ષ પહેલાં આ ફોરેન કોલાબારેશનવાળી કંપની 'ડી. કાર્ટે એન્જી. લિ.'માં જુનિયર એન્જિનિયરનો ઇન્ટરવ્યૂ આપવા મુંબઈના આ જ સ્કાય સ્ક્રેપરમાં તમે આવેલા શશાંક દેસાઈ. કૌમુદી અને તમારી વચ્ચે ત્યારે પ્રણયની એક મૌનકુંપળ પાંગરી ચૂકી હતી.

પણ નોકરીની ખુશી 'સેલીબ્રેટ' કરતી વેળા એ જ મૌન પ્રણયને વાચા આપી દેવાના નિર્ધારનો તમે અમલ કરો શશાંક, એ પહેલાં જ કંપનીના મુંબઈથી બસ્સો કિલોમીટર દૂર ઇન્ટીરીયર મહારાષ્ટ્રમાં આવેલા પ્લાન્ટ પર તત્કાલ હાજર થઈ જવાનો તમને ટેલિગ્રામ મળ્યો, ને કૌમુદીને 'નિરાંતે' મળ્યા વિના જ તમારે ટ્રેનમા બેસી જવું પડયું.
કંપનીનો પગાર સારો, પણ કાયદા બહુ કડક હતા. પ્રોબેશન દરમ્યાન કોઈને રજા મળતી નહીં. કૌમુદીને એના રૃઢિચુસ્ત ઘેર પત્ર લખીને જણાવવાનું 'રીસ્ક' લેવા કરતાં, તમે છ મહિનાના પ્રોબેશનના અંતે જ કૌમુદીને રૃબરૃ મળીને એની લાગણી સ્પષ્ટપણે જાણવાનો નિર્ધાર કરી તમે નવી નવી નોકરીમાં ખૂંપી ગયા શશાંક.

પ્લાન્ટ એટલા દૂરના પછાત ડુંગરાળ વિસ્તારમાં હતો કે કર્મચારીઓ એમની ટપાલ કંપનીના મુંબઈ ઑફિસના સરનામે જ મંગાવતાં, ને દર પંદર દિવસે પ્લાન્ટ પર આવતી કંપનીની ગાડી એ ટપાલ કર્મચારીઓને પહોંચાડતી.
અને કંપનીની મુંબઈ ઑફિસના અધૂરાં પધૂરાં સરનામે અથડાતા કૂટાતાં આવેલો કૌમુદીનો પત્ર એ લખાયા પછી એક મહિને તમને પ્લાન્ટ પર મળ્યો શશાંક ત્યારે તમારો પ્રોબેશન પૂરો થવાની પખવાડિયાની જ વાર હતી. એ ટૂંકા પત્રમાં કૌમુદીએ માત્ર એટલું જ લખેલું, 'શશાંક, તું તત્કાલ અમદાવાદ દોડી આવ. મને તારી મદદની જરૃર છે પેલી શરદપૂર્ણિમાએ મેં ગાયેલા ગીતની છેલ્લી પંક્તિઓ યાદ છે તને ? 'સહારા મિલે જો તુમ્હારી હસીં કા... ભૂલા દેંગે હમ સારા ગમ જિંદગી કા-' કૌમુદી.'
ઉતાવળે ઉતાવળે લખાયેલા લાગતા એ ટૂંકા પત્રનો અર્થ ત્યારે તમને બરાબર સમજાયેલો નહીં શશાંક, પણ પખવાડિયા પછી રજા લઈ તમે સમયસર પહોંચ્યા ત્યારે એનો અર્થ સમજાઈ ગયેલો.
મા-બાપના ખાનદાની તાપ સામે મ્હોં ન ખોલી શકેલી કૌમુદી અઠવાડિયા પહેલાં જ એક શ્રીમંત ઘરાનાની ગૃહિણી બની શહેર છોડી ચૂકી હતી અને બાકીની રજાઓ રદ કરી તમે પ્લાન્ટ પર પરત આવી ગયા શશાંક.
એ આઘાતી આંચકાએ સર્જેલા ખાલિપાને કામના ઝનૂની ભરતાં ભરતાં તમે 'વર્કોહોલિક' થતાં ચાલ્યા છો શશાંક. રૃટિની ફેમિલી લાઇફ સાથે કુદરતી કાળા વાળથી ડાઇ કરેલા વાળ સુધીના 'વર્કો-હોલિક' વર્ષો આજે તમને કંપનીના ઉચ્ચતર હોદ્દા ઇ.ડી. સુધી લઈ આવ્યા છે, શરદપૂર્ણિમાના ચંદ્ર સામે ક્યારેય જોયા વિના જ.

પણ આજે પેલા ગુજરાતી કેન્ડીડેટ શીતાંશુ પટેલની ચંદ્રના ટુકડા જેવી વિશાળ આંખોને ફાંકડા કોન્વેન્ટી ઉચ્ચારોવાળું સડસડાટ અંગ્રેજી સાંભળતમ તમને એકાએક કૌમુદી યાદ આવી ગઈ. શશાંક. અલબત્ત શીતાંશુનું અંગ્રેજી જેટલું સરસ હતું. 'ટેકનિકલ નોલેજ' એટલું જ પુઅર. બીજા એક્ઝીક્યુટીવ્ઝ જ્યારે એની નોંધ લઈ રહ્યા હતા ત્યારે તમે વિચારતા હતા શશાંક કે અદ્દલ કૌમુદી જેવી જ મોટી સુંદર આંખોવાળો, ફાંકડુ અંગ્રેજી બોલતો આ યુવાન કોન્વેન્ટી કૌમુદીનો પુત્ર તો નહીં હોય. પણ ફોર્મમાં માત્ર પિતાનું નામ લખાયેલું હતું, ને ઇન્ટરવ્યૂમાં માતાનું નામ પૂછવાનો કોઈ ખાસ શિરસ્તો નથી. આવી સરસ આંખો યા સારું અંગ્રેજી તો કોઈનું પણ હોઈ શકે.
અલબત્ત એ કૌમુદીનો જ પુત્ર છે એ તો જાણી શકાયું હોત તો જેમ કૌમુદીએ તમને એક સફળ બ્રાઇટ 'કેરીઅર' બક્ષી હતી, શશાંક તેમ તમે પણ શીતાંશુને સિલેક્ટ કરી પચ્ચીસ વર્ષ પહેલાંનું કૌમુદીનું ઋણ આજે તો તમે ઉતારી શક્યા હોત શશાંક. પણ એ જાણવું શક્ય નહોતું. અને...
... તમારી ચેમ્બરમાંથી મ્યુઝીકલ-ક્લોકે રાતના નવના ડંકા વગાડયા, ને ચાંદની પાયેલા દરિયાના મોજાઓમાં ખોવાયેલી તમારી આંખો ઝબકીને અતીત નિદ્રામાંથી બહાર આવી. અને આકાશમાં ટહેલતા કૌમુદીના હસતા ચહેરા જેવા રૃપેરી ચંદ્ર પર તમારી નજર સ્થિર થતા તમને અચાનક યાદ આવ્યું શશાંક કે, કૌમુદીના નામનો અર્થ ચાંદની થતો હતો અને તમારા નામનો અર્થ ચંદ્ર અને... અને શીતાંશુના નામનો પણ અર્થ થતો હતો... ચંદ્ર !
... અને વીજળીવેગે ઝરૃખામાંથી ચેમ્બરમાં પ્રવેશી તમારા ટેબલ પર પડેલા આજના ઉમેદવારોના લિસ્ટમાં શીતાંશુ પટેલના નામ સામે લખાયેલી રીમાર્ક 'નોટ સીલેક્ટેડ'માંથી 'નોટ' શબ્દને તમે ધીરે રહીને પ્યારથી છેકી નાખ્યો શશાંક દેસાઈ.
(શીર્ષક ઃ મનોજ ખંડેરીયા. કથાબીજ ઃ જ્વલિત ઠાકર- કેનેડા)

0 comments:

Post a Comment