- ''પ્લેટોનિક લવ'' - ''કામશૂન્ય-પ્રેમ''ની વાતો કરનાર પ્લેટોના ''સિમ્પોસીયમ''માં સેંકડો સ્ત્રી મોહિત થતી ગઈ... પ્લેટોનિક લવ પ્રચલિત બનવા લાગ્યો... ધર્મગુરુઓએ અને બની બેઠેલા સ્વામી-સંત-ગુરુઓએ આનો ઘણો ગેરલાભ ઉઠાવી સેંકડો ભક્તાવીઓનું શોષણ કર્યું... ઓશો રજનીશે હિંમતભર કહ્યું... એક-સ્ત્રી અને એક-પુરુષ એકબીજાની ખૂબ જ નજીક આવે અને વાસના જાગે તો ખોટું શું છે ? શું 'પ્લેટોનિક લવ'નું અસ્તિત્વ છે. એક પુરુષને એક સ્ત્રી સાથે કામશૂન્ય સંબંધ કેમ ન હોય ?
સ્તુતિ જીવનની લડાઈ હારી ચૂકી હતી. સમય અને સંજોગને તેની સાથે માત્ર અડપલા કરવાની જ નહીં પણ તીવ્ર આંચકા આપવાની આદત પડી ગઈ હતી.
માતાનું મૃત્યુ તો તેના જન્મ પહેલા જ થયું હતું. માસી ગાયત્રીબેન તેની પાલક માતા બન્યાં હતા.
જન્મની સાથે જ માતાનો ભોગ લેનારી સ્તુતિને કુટુંબના વડીલો ખરાબ પગલાની અને આકરા ગ્રહોવાળી ગણાવતા હતા. કોઈક તો વળી એને ''છપ્પર પગી'' પણ કહેતું.
જન્મની સાથે જ માતાનો ભોગ લેનારી સ્તુતિને કુટુંબના વડીલો ખરાબ પગલાની અને આકરા ગ્રહોવાળી ગણાવતા હતા. કોઈક તો વળી એને ''છપ્પર પગી'' પણ કહેતું.
સ્તુતિના પડછાયાથી પણ દૂર રહેવું સારૃં એવા કુટુંબમાં થતા ગણગણાટની વચ્ચે ગાયત્રીમાસીએ તેને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. ગાયત્રી અને વિનોદના લગ્નને દસ વર્ષ થયા હતા. આઈ.વી.એફ. અને ટેસ્ટટયુબ બેબીના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. શેરમાટીની ખોટ પૂરી કરવા દત્તક સંતાન લેવાનો તેઓ નિર્ણય લેવાના જ હતા. ત્યાં એમને સ્તુતિના રૃપમાં બાળકની જાણે લોટરી લાગી ગઈ !?
કુટુંબના ટીકાખોર વડીલોની વાતોને ધ્યાન પર લાવ્યા વગર તેમને વિધિવત્ રીતે સ્તુતિને દત્તક લઈ લીધી.
પુત્રીની જવાબદારી માથા પરથી ઉતરી જતાં પપ્પા જનકભાઈએ સુજાતા સાથે બીજા લગ્ન કરી લીધા.
સ્તુતિને ગાયત્રી અને સુજાતા એમ બબ્બે મમ્મીના લાડ, પ્યાર, હૂંફ અને આળપંપાળ મળવા લાગ્યા. જેની કૂખમાં મોટી થઈ હતી એ માતાનું છત્ર ગુમાવવા છતાં સ્તુતિનો ઉછેર સમતોલ અને સ્નેહ સભર થવા લાગ્યો.
સમય અને સંજોગોએ સ્તુતિ સાથે પહેલું અડપલું કર્યું. ગાયત્રીબેનને સારા દિવસો રહ્યા. ડોક્ટરોએ કહ્યું ગમે ત્યારે કસુવાવડ થઈ જવાનો ખતરો છે. પૂરતી કાળજી રાખવી પડશે. ગાયત્રી અને વિનોદનું બધું ધ્યાન નવા ઉછરી રહેલા ગર્ભ તરફ કેન્દ્રીત થયુ સ્તુતિ ''પ્રાયોરીટી''માંથી ''લાયાબીલીટી'' પુરવાર થવા લાગી થોડાક મહિના જનક અને સુજાતા સ્તુતિની જવાબદારી સંભાળે એવું નક્કી થયું.
સુજાતાએ આ જવાબદારી સ્વીકારી લીધી. સ્તુતિના બાળ ઉછેરનો કપાયેલો પતંગ નવી દોરીથી ફરી પાછો ચગવા લાગ્યો. ગાયત્રીની કૂખેથી પુત્રી રત્નનો જન્મ થયો. નાનીબેનને આવકારવી કે તેની ઈર્ષ્યા કરવી તેટલું નક્કી કરી શકે એટલું સ્તુતિનું બાળમાનસ વિકસિત થયું નહોતું.
જનકભાઈ અને સુજાતાબેને સ્તુતિને કોઈપણ મમ્મીની (જન્મદાતા અને પાલક) ખોટ સાલવા ન દીધી. ત્યાં સમર્થ બીજુ અડપલું કર્યું... સુજાતાબેનને પણ સારા દિવસ રહ્યા... સ્તુતિ લોકોની નજરોમાં શુકનિયાળ પુરવાર થવા લાગી.
સ્તુતિ પાંચ વર્ષની થઈ ત્યારે જનકભાઈ એ સુખડનો હાર પહેરેલા ફોટાની ઓળખ આપતાં સ્તુતિને એક દિવસ કહ્યું હતું... આ તારી પહેલી મમ્મી... જાનકી... આટલું કહી જનકભાઈની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. કારણ સ્તુતિની પીડા એ સમજી ચૂક્યા હતા કે ત્રણ ત્રણ મમ્મી હોવા છતાં દીકરી કેવી નોંધારી બની ગઈ હતી...!?
એ દિવસથી જનકભાઈએ પુત્રીને માતૃપ્રેમનો વિકલ્પ પૂરો પાડવાનું શરૃ કર્યું હતું. તેઓ સ્તુતિના મા અને બાપ બન્ને બની ગયા હતા.
સ્તુતિને સવારે વહેલી ઉઠાડવી, ભણાવવી, તૈયાર કરી સ્કૂલે મુકવા જવી, વાર્તાઓ કહેવી, પકડદાવ રમવો... બસ જનકભાઈ સ્તુતિમય થઈ ગયા હતા.
પ્રેમાળ પિતાનો હાથ પકડી સ્તુતિ યૌવનનો ઉબર ઓળગવા તરફ આગળ વધતી હતી ત્યાં કુદરતે તેને કારમો આંચકો આપ્યો... જનકભાઈનું સ્કુટર એક્સીડન્ટમાં મૃત્યુ થયું.. સ્તુતિની દુનિયા જ લૂંટાઈ ગઈ !!
સ્તુતિને થયું એની સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન એનો જ આધાર કેમ આમ ખૂંચવી લે છે ?
વિનોદભાઈ પર સ્તુતિની બધી જ જવાબદારી આવી પડી. ઘરમાં બીજી બે પુત્રી પણ હતી. સ્તુતિ કુમળી વયમાં બે નાની બેનની સંભાળ રાખનાર ''કેર-ટેઈકર'' બની ગઈ.
સ્તુતિને થયું એની સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન એનો જ આધાર કેમ આમ ખૂંચવી લે છે ?
વિનોદભાઈ પર સ્તુતિની બધી જ જવાબદારી આવી પડી. ઘરમાં બીજી બે પુત્રી પણ હતી. સ્તુતિ કુમળી વયમાં બે નાની બેનની સંભાળ રાખનાર ''કેર-ટેઈકર'' બની ગઈ.
સ્તુતિ અઢાર વર્ષની થઈ તે સાથે જ તેનાં લગ્ન તેનાથી અગિયાર વર્ષ મોટા યુવાન સાથે થયા. અભિજાત શાંત, પ્રેમાળ અને હસમુખો યુવાન હતો. પપ્પાનો સારો બિઝનેસ હતો. સ્તુતિની લાગણીને સમજી તે તેની પૂરી સંભાળ લેતો હતો. ''લવીંગ-કેરીંગ'' પતિ મળી જતાં કુદરતના તમામ અન્યાયને સ્તુતિ ભૂલી ગઈ.
અભિજીતે સ્તુતિના મનમાં રહેલી કુંઠાઓને ઓળખી તેનામાં આત્મવિશ્વાસ જગાવ્યો. દુનિયાની વાસ્તવિકતા સમજાવી ભણાવી અને સારી નોકરીએ લગાડી. અભિજીત તેનો મિત્ર પહેલાં બન્યો પછી પતિ બન્યો અને સ્તુતિને પુત્ર રત્ન અવતર્યો. સ્તુતિનું જીવન હર્યું ભર્યું થઈ ગયું.
અભિજીતની પ્રેરણામૂર્તિ સમાન તેના બોસ કાર્તિકભાઈ હતા. બાળપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર અભિજીતને પગભર કરી એક ખાનગી કંપનીમાં ટોચ પર પહોંચાડનાર કાર્તિકભાઈ જ હતા. કાર્તિકભાઈ અને યામીનીબેન અભિષેકનું સર્વસ્વ હતાં સ્તુતિ પણ આ બન્ને સાથે સારી રીતે ગોઠવાઈ ગઈ. કાર્તિકભાઈ આમ તો અભિજીતથી પાંચ વર્ષ જ મોટા હતા. છતાં પણ તે એમને વંદનીય, પૂજનીય ગણતી.
સ્તુતિ અભિજીત સાથે લગ્નગ્રંથીથી જોડાઈ એ દિવસથી કાર્તિકભાઈની મહાનતાથી વાકેફ થઈ ગઈ હતી. કાર્તિકભાઈ તેને માટે ભગવાનથી પણ વિશેષ પુરવાર થતા ગયા.
કાર્તિકભાઈએ સ્તુતિમાં છૂપાયેલી ભીતરની શક્તિઓને જગાડી. સ્તુતિના વ્યક્તિત્વનો વિકાસ થયો તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તે પણ સારી નોકરીમાં જોડાઈ ગઈ.
કાર્તિકે યામીની તથા અભિજીત-સ્તુતિ બહુ જ સારા મિત્રો બની ગયા. તેમની વચ્ચેની મિત્રતા નિસ્વાર્થ અને અર્થપૂર્ણ બની ગઈ.
કાર્તિકભાઈ સ્તુતિ માટે એક ફરિશ્તા પુરવાર થયા. જે અભિજીતે તેને નવો અવતાર આપ્યો એની જિંદગી જ કાર્તિકભાઈએ બનાવી હતી. તે ઘણીવાર વિચારતી પોતે ક્યાં હતી અને ક્યાં પહોંચી ગઈ ?... આ બધાના મૂળમાં તો કાર્તિકભાઈ જ છે ને ?
સ્તુતિનો કાર્તિકભાઈ પ્રત્યેનો ભક્તિભાવ દિન-પ્રતિદિન વધવા લાગ્યો... ક્યારેક તેને લાગતુ કે પુત્ર અને પતિ કરતાં પણ વધારે ખેચાણ તેને કાર્તિકભાઈનું છે. તેમનો પડયો બોલ ઝીલવા અને તેમની નાની નાની બાબતનું ધ્યાન રાખવા તે હંમેશા તત્પર રહેતી. તેને સમજાતું ન હતું કે કાર્તિકભાઈ સાથે તેનું બંધન કેવું અજનબી હતું. તેમને પપ્પા કહું... ભાગ્યવિધાતા કહું... ભાઈ કહુ કે... સખા કહું ?...
કાર્તિકભાઈ વિશે તેના મનમાં પાંગરતા પ્રેમના છોડને તે કોઈ નામ ન આપી શકતી. હા... પણ તે
કાર્તિકભાઈને ''પ્લેટોનિક લવ'' - અફલાતુન પ્રેમ કરતી હતી.
સ્તુતિએ કાર્તિકભાઈ પ્રત્યેના તેના ભક્તિભાવની વાત અભિજીત અને યામીનીબેનને પણ કરી હતી. એમને આમાં કઈજ અજુગતું લાગતું ન હતું.
જીવનમાં જે મળ્યુ હતું અને પોતાની લાગણીની અભિવ્યક્તિની જે સ્વતંત્રતા હતી તેનાથી સ્તુતિ ખુશખુશાલ હતી. તેને જીવન હર્યું ભર્યું લાગતું હતું... ધરતી પર સ્વર્ગ તે આનું નામ એવો સુખાનુભવ સ્તુતિને થતો હતો.
ત્યાં જ સમયે એક જોરદાર ઝાટકો આપ્યો.. અભિજીતને પેન્ક્રીએટીક કેન્સર હોવાનું નિદાન થયું. સ્તુતિ ફરી પાછી જાણે પર્વતની ટોચ પરથી ઊંડી ખાઈમાં ફેંકાઈ ગઈ.
પતિના કેન્સરનું નિદાન થયા પછી તેની સારવાર, સંભાળ, પુત્રની જવાબદારી, સારવારનો ખર્ચ એમ ચારેય બાજુથી સ્તુતિ ભીંસમાં આવી ગઈ હતી. પણ ''કાર્તિકભાઈ મારી સાથે છે.'' એ અંતરના વિશ્વાસના જોરે સ્તુતિ ટકી ગઈ હતી. અભિજીતને વિદ્યુત સ્મશાન ગૃહમાં લઈ જઈ અગ્નિદાહ દેવા જેટલું કઠણ કાળજું પણ તે રાખી શકી હતી.
સ્મશાન ગૃહમાં સ્તુતિની આંખમાં આંખ પરોવી કાર્તિકભાઈ બોલ્યા હતા... ''જે થવાનું હતું તે થઈ ગયું... હું અને યામિની તારી સાથે જ છીએ...'' અને એ દિવસે પહેલીવાર સ્તુતિ કાર્તિકભાઈની છાતીમાં માથું છૂપાવી ચોધાર આંસુએ રડી પડી હતી..
અભિજીતના મૃત્યુ પછી પુત્રની જવાબદારી, નોકરીમાં ઊભા થતા પ્રશ્નો, એકલી સ્ત્રીને રોજ-બરોજ પડતી તકલીફોથી સ્તુતિ ઘણીવાર તૂટી જતી. તેને સતત એક દહેશત રહેતી કે સમય અને સંજોગ તેની સાથે હવે કેવો ખેલ-ખેલશે ? કેવો કારમો આઘાત અને આંચકો આપશે ?
આ તમામ ચિંતા, હતાશા, ડર, આશંકા અને વિડંબના વચ્ચે કાર્તિકભાઈનો સહારો હતો. જીવનના તમામ કુરુક્ષેત્રોની ભીષણ લડાઈમાં અર્જુનની જેમ જેનું અંગે અંગ કાંપતું હતું, કંઠે શોષ પડતો હતો... રોમે રોમ ખડું થઈ જતું હતું... એવી ચિંતિત ભયભીત અને નર્વસ સ્તુતિને... કાર્તિકભાઈ શ્રીકૃષ્ણની અદાથી કાઉન્સેલીંગ પુરુ પાડતા... ''તુ મને અનુસર...'' ''હું તને રસ્તો બતાવું છું... તારી જિંદગીના નિર્ણય તો તારે જ લેવા પડે...'' ''હું હંમેશા તારી સાથે જ છું... તું એકલી નથી...'' એવાં પ્રેરણાત્મક, ફૂંફાળાં અને પ્રોત્સાહક વાક્યો કહેતા રહેતા. સ્તુતિને પ્રત્યેક લડાઈ લડવાનું નવું બળ મળી જતું.
આ સમય દરમ્યાન સોસાયટીમાં, સમાજમાં, ઓળખીતાં પાળખીતામાં ચડભડ શરૃ થઈ... લોકો કહેવા માંડયા... કાર્તિકભાઈ અને સ્તુતિ વચ્ચે કંઈક ગરબડ છે. કોઈપણ પુરુષ કોઈપણ સ્ત્રીમાં આટલો બધો રસ શા માટે લે ? આમ પણ કાર્તિક-યામીનીને કોઈ સંતાન પણ નથી.. તો પછી યામિનીબેનની ખોટ સ્તુતિ પૂરી પાડતી જ હશે ને ?
લોકોની હલકી વાતો પર ધ્યાન ન આપનાર યામિનીબેન માટે પણ ગોબેલ્સનો પેલો સિધ્ધાંત સાચો પડયો. વારંવાર કહેવાયેલું જૂઠ્ઠાણું... સત્ય સાબિત થતું ગયું. રજો-નિવૃત્તિકાળ- MENOPAUSE દરમ્યાનના અંતઃસ્ત્રાવ- HORMONES ''ઈસ્ટ્રોજન''ની ખામી અને તેની મગજના ન્યુરોટ્રાન્સમીટર સીરોટોનીન અને નોર એથ્રીનેફ્રીન પરની વિપરિત અસરને કારણે યામિનીબેને એક દિવસ કાર્તિકભાઈને સુણાવી દીધું... ''હવે કાંતો તમે સ્તુતિ સાથે સંબંધ રાખો... કાં તો મારી સાથે...''
સ્તુતિ પર જાણે આસમાન તૂટી પડયું. તેને સ્વપ્નેય વિચાર નહોતો આવ્યો કે તેમના અને કાર્તિકભાઈના સંબંધો વિશે લોકો આવો હલકો વિચાર કરશે. તેને એક જ સવાલ થતો હતો કે આ સમાજ ક્યારેય સ્ત્રી-પુરુષ વચ્ચેની વાસના રહિત, નિર્મળ અને સ્વચ્છ દોસ્તીનો સ્વીકાર જ નહીં કરે ?
મેનોપોઝલ ડીપ્રેશનથી ભાંગી ગયેલી પત્ની અને સંજોગોના ગમે તેવા આંચકા થતાં અડગમનની મુસાફીર બની અડીખમ ઊભેલી સ્તુતિ પણ આખરી આંચકાથી સાવ ભાંગી પડી ત્યારે કાર્તિકભાઈએ બન્નેની મનોચિકીત્સા કરાવી અને બન્નેને પોતાના પારદર્શક પ્રેમની પ્રતીતિ કરાવી.
''ડીપ્રેશન''માંથી ઝડપથી સાજા થયેલા યામિનીબેનનું આયુષ્ય સ્તુતિની સેવા-સર્ભરા છતાં લાંબુ ન ટક્યું એક રાત્રે અચાનક હાર્ટ એટેકમાં તેમનું અકાળે અવસાન થયું.
લોકોએ કાર્તિકભાઈ અને સ્તુતિને સલાહ આપી બન્ને પુનર્લગ્ન કરી લો... સમાજમાં ખોટી વાતો ન થાય. તમને પણ એકબીજાને પ્રેમ, હૂંફ અને કંપેનીયનશીપ આપી શકો.
પણ સ્તુતિ ભારપૂર્વક એક જ વાત કહેતી રહી... ''કાર્તિકભાઈને મેં ક્યારેય એ દ્રષ્ટીથી જોયા નથી... એ મારા મિત્ર છે... ગુરુ છે.. હું એમને માટે જાન આપી દઉં પણ એમની શૈયા સાથી ન બની શકું... સમાજને જે બોલવું હોય તે બોલે... બધાની બોલતી બંધ કરવા મારે લગ્ન કરવા જરૃરી નથી. ને નથી જ.''
આજે પુત્ર ડંકેશના લગ્ન થયે ત્રણ વર્ષ થઈ ગયાં છે. પુત્રવધુના સાસુમા અને કાર્તિકભાઈના સંબંધ વિશે થયેલા તમામ પ્રશ્નોનું યોગ્ય સમાધાન થઈ ગયું છે. પૌત્રને સ્તુતિ અને કાર્તિકભાઈ દાદી-દાદાનો પ્રેમ આપી ઉછેરી રહ્યા છે. ઉંમર વધતી જાય છે તેમ સ્તુતિનો કાર્તિકભાઈ પ્રત્યેનો ''પ્લેટોનિક લવ'' વધતો જાય છે. અને એ પ્રેમમાંથી શક્તિ મેળવી કાર્તિકભાઈ પણ મહોરાતા જાય છે.
આજે પુત્ર ડંકેશના લગ્ન થયે ત્રણ વર્ષ થઈ ગયાં છે. પુત્રવધુના સાસુમા અને કાર્તિકભાઈના સંબંધ વિશે થયેલા તમામ પ્રશ્નોનું યોગ્ય સમાધાન થઈ ગયું છે. પૌત્રને સ્તુતિ અને કાર્તિકભાઈ દાદી-દાદાનો પ્રેમ આપી ઉછેરી રહ્યા છે. ઉંમર વધતી જાય છે તેમ સ્તુતિનો કાર્તિકભાઈ પ્રત્યેનો ''પ્લેટોનિક લવ'' વધતો જાય છે. અને એ પ્રેમમાંથી શક્તિ મેળવી કાર્તિકભાઈ પણ મહોરાતા જાય છે.



0 comments:
Post a Comment